ચીઝ બર્સ્ટ પિઝા એ ઇટાલિયન ફાસ્ટ ફૂડ છે જે બાળકોની સાથે સાથે મોટાઓને પણ ખુબ જ પસંદ હોય છે. આજે આપણે પણ બહાર જેવો જ ટેસ્ટી ચીઝ બર્સ્ટ પિઝા બનાવીશું. આપણે જે પિઝા બનાવીશું તે હેલ્થી શાકભાજીમાંથી બનાવીશું, જેથી તે ટેસ્ટીની સાથે હેલ્થી પણ બને. તો આવો જાણીયે ટેસ્ટી ચીઝ બર્સ્ટ પિઝા બનાવવાની રેસિપી.
જરૂરી સામગ્રી:-
મેંદો – 1.5 કપ (150 ગ્રામ)
તેલ – 1 ચમચી
ઇન્સ્ટન્ટ ડ્રાય એક્ટિવ યીસ્ટ – ¾ ટીસ્પૂન
ખાંડ – ¾ ટીસ્પૂન
મીઠું – ⅓ ટીસ્પૂન
મીઠું – ½ કિલો (તળિયે રાખવા માટે)
ચીઝ સ્લાઈસ – ૨ નંગ
પિઝા સોસ – 1 ટીસ્પૂન
મોઝેરેલા ચીઝ – 1 કપ
ડુંગળી – ૧ કપ (સ્લાઈસ કરેલી)
બેબી કોર્ન – 1 નંગ
લીલો કેપ્સિકમ – અડધો કપ નાના ટુકડા કરેલું
લાલ કેપ્સિકમ – અડધો કપ નાના ટુકડા કરેલું
ઓરેગાનો – 2 ટીસ્પૂન
રેસિપી:-
એક બાઉલમાં 1.5 કપ મેંદામાં 1 તેલ, ઇન્સ્ટન્ટ ડ્રાય એક્ટિવ યીસ્ટ, ખાંડ અને મીઠું નાંખો અને બધું બરાબર મિક્સ કરો. સહેજ નવશેકા ગરમ પાણીથી નરમ લોટ બાંધી દો. હથેળીમાં સહેજ તેલ લગાવીને લોટને ચીકણો કરી લો. લોટ બંધાઈ જાય પછી, તેને 2 થી 3 કલાક માટે કોઈ ગરમ જગ્યાએ મૂકી રાખો.
2 કલાક પછી, જ્યારે લોટ સહેજ ફૂલીને સેટ થઇ જાય, ત્યારે પિઝા બેઝ બનાવો. આપણે લીધેલા લોટમાંથી 2 પિઝા બેઝ બનશે. બાંધેલા લોટનો ⅓ ભાગ લો અને તેના પર સહેજ કોરો લોટ લગાવીને તેનો 3-4 ઇંચ જેટલો મોટો રોટલો વાણી લો. તેને વણી લીધા પછી તેના પર કાંટા ચમચી (ફોર્ક)થી થોડા નિશાન બનાવી દો. હવે તેને ધીમી આંચ પર તવા પર સહેજ શેકી લો.
હવે કૂકરમાં ½ કિલો મીઠું નાંખો અને કૂકરને ઢાંકીને ગરમ થવા મુકો. હવે એક પ્લેટ પર તેલ લગાવો અને બાંધેલા લોટનો વધેલો ભાગ પ્લેટ પર હાથથી દબાવીને ફેલાવો. હવે તેના પર ચીઝ સ્લાઇસના ટુકડા કરીને નાખો. હવે તેના પર શેકેલો પિઝા બેઝ મૂકીને સહેજ દબાવી દો. દબાવવાના લીધે નીચેનો બેઝ સહેજ બહાર આવી જશે. બહાર આવેલા વધારાના લોટથી શેકેલા પીઝા બેઝને આજુબાજુથી ઢાંકી લો, હવે તેના ઉપર પીઝા સોસ નાંખો અને તેના પર મોઝેરેલા ચીઝ નાંખો, હવે તેના ઉપર બેબી કોર્ન, લીલા કેપ્સિકમ, ડુંગળી, લાલ કેપ્સિકમ ઉમેરો અને તેના પર થોડું ઓરેગાનો નાખો.
કૂકર ગરમ થયા પછી તેની અંદર પિઝા મુકો અને તેને ઢાંકીને ધીમા તાપે 10 મિનિટ સુધી ચડવા દો. 10 મિનિટ પછી પિઝા બેઝને નીચેથી તપાસો, જો બેઝ લાઈટ બ્રાઉન ન થયો હોય તો તેને 5 મિનિટ સુધી વધુ ચડવો. બેઝ બ્રાઉન થઇ જાય એટલે તેને બહાર કાઢીને તેના ટુકડા કરી લો.
આપણા બહાર જેવા જ ટેસ્ટી ચીઝ બર્સ્ટ પિઝા તૈયાર છે.
ટિપ્સ:
-તમે ઈચ્છો તો ઓરેગાનોની જગ્યાએ હર્બ્સનો પણ ઉપયોગ કરી શકો છો.
-આપણે ચીલી ફ્લેક્સનો ઉપયોગ નથી કર્યો, પણ તમે ઈચ્છો તો તમારા સ્વાદ મુજબ તેનો ઉમેરો કરી શકો છો.
(image-cookingshooking)