ગાંધીનગર: માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાનની ૨૦મી બેઠકમાં જોડણીના નિયમો અને રહસ્યોનું રસપ્રદ જ્ઞાન જેઠાભાઇ પટેલ દ્વારા આપવામાં આવ્યું હતું. ગાંધીનગર બાળ વિશ્વવિદ્યાલય ખાતે ગુજરાતી ભાષાના ભાવકો વચ્ચે એકાક્ષરી, બે, ત્રણ, ચાર અને તેથી વધુ અક્ષરની જોડણી સરળ-સહજ રીતે યાદ રાખી શકાય એ માટે જ્ઞાન આપવામાં આવ્યું.
જેઠાભાઇ પટેલ રાજ્યના શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ વિજેતા છે. જેઓ ‘ગુજરાતી જોડણી સુધારણ અભિયાન’ માટે કાર્યરત છે. તેઓ સરકારી કર્મચારી માટે ‘વહીવટમાં શુદ્ધ ગુજરાતી ભાષાનો ઉપયોગ’ અન્વયે પણ કામ કરે છે. ઉલ્લેખનીય છે કે આ અગાઉ પણ જેઠાભાઇ પટેલ માતૃભાષામાં આવ્યા હતા અને એમનો કાર્યક્રમ બાયસેગ દ્વારા રેકોર્ડ કરવામાં આવ્યો હતો. જેઠાભાઇ પટેલનું સ્મૃતિ ચિન્હ દ્વારા હર્ષદ પ્ર. શાહ દ્વારા સન્માન કરવામાં આવ્યું ત્યારે આ કાર્યક્રમનું સંયોજન સંજય પંડ્યા દ્વારા કરવામાં આવ્યું.
જેઠાભાઇ સાચી-ખોટી જોડણીના પ્લેકાર્ડ દ્વારા જોડણી શીખવે છે. જેમાં આ વખતે બધા જ જવાબ ભાવિકોએ સાચા આપતા એ સાબિત થયું કે ભાવિકો ગુજરાતી આત્મસાત કરી રહ્યા છે. આ કાર્યક્રમમાં કવિ કિશોર જીકાદરા, સંજય થોરાત, રોહિણી પરમાર, અશોક ત્રિવેદી, કલ્પનાબેન, જીજ્ઞા મહેતા, રણછોડ પરમાર, પાયલ પટેલીયા જેવા સાહિત્યપ્રેમી અને જાણકાર ઉપસ્થિત હતા. જેઠાભાઉ પટેલનું ‘સંપૂર્ણ ગુજરાતી વ્યાકરણ’ પુસ્તક પણ ગુજરાતી ભાષાપ્રેમીઓમાં એક આગવું સ્થાન ધરાવે છે. ગુજરાતી ભાષાનું જ્ઞાન મેળવવા ઇચ્છિત લોકો આ નિઃશુલ્ક કાર્યશાળામાં જોડાઈ શકે છે.
સુંદર અને રસપ્રદ માહિતી. દર મહિને બીજા અને ચોથા શનિવારે બપોરે સાડાત્રણથી છ યોજાતી આ બેઠકમાં ગુજરાતી સાહિત્ય પ્રેમીઓને આમંત્રણ છે.